હોળી વિશે નિબંધ | શા માટે હોળી સળગાવામાં આવે છે?

ભારતને તહેવારોના દેશ તરીકે ઓળખવામાં આવે છે,આખા વર્ષ દરમિયાન ભારતના દરેક પ્રદેશોમાં વિવિધ ધર્મ, જાતી, જ્ઞાતિ, સંપ્રદાય વગેરે દ્વારા તહેવારોની ઉજવણી કરવામાં આવતી હોય છે. તહેવારો થકી ભારતીય સંસ્કૃતિનો પડછાયો જોવા મળે છે. ભારતીય પરંપરા, માન્યતા,સંસ્કૃતિ,રીતરીવાજો વગેરેની તહેવારોમાં ઝલક જોવા મળે છે.

ભારતએ વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે, અહીં વિવિધ ધર્મોમાં લોકો સાથે મળીને તહેવારોની ઉજવણી કરે છે. એવા જ તહેવાર માંથી એક તહેવાર એટલે હોળી, અહીં આપણે હોળી ના તહેવાર વિશે વિસ્તાર પૂર્વક સમજીશું….

Essay on Holi Why is Holi burnt

હોળીની ઉજવણી

ભારતમાં, હોળીએ હિંદુ પંચાંગ અનુસાર ફાગણ મહિનાની પૂર્ણિમાના દિવસે આવે છે અને અંગ્રેજી મહિના પ્રમાણે મોટા ભાગે March મહિનામાં આવે છે. આ વર્ષે હોળી 7 March ના દિવસે છે. હોળી આવતા વસંત ઋતુનું આગમન અને શિયાળાનો અંત આવે છે, પ્રેમની લાગણી ઉદભવે છે. ઘણાં લોકો માટે ભૂલી જવા અને માફ કરવા, તૂટેલા સંબંધોને સુધારવા, અન્યને હસાવવા નો તહેવારનો દિવસ છે.

હોળીના દિવસે રાતે ગામના લોકો ગામની ખુલ્લી જગ્યામાં એકઠા થાય છે અને હોલિકા દહન કરવામાં આવે છે જે અસત્ય પર સત્યના વિજય પ્રતિક રૂપે છે, ભારતના ઘણા પ્રદેશોમાં ઉંબરા ને પૂજવામાં આવે છે,આ ઉંબરો એ ભગવાન નૃસિંહ ના સિંહાસનનું પ્રતિક છે. સળગતી હોલિકાની ફરતે લોકો પ્રદક્ષિણા કરે છે અને પ્રદક્ષિણા કરતા કરતા નાળીયેર, મમરા, ધાણી વગેરે સળગતી હોલિકામાં નાખે છે. લોકો એકબીજાને પતાસાની લ્હાણ પણ વેંચે છે.

ગુજરાતના ઘણા પ્રદેશો માં એક અનોખી પરંપરા જોવા મળે છે કે હોળી પહેલાં આખા વર્ષ દરમિયાન જે પરિવારમાં બાળકનો જન્મ થયો હોય તો તે બાળકની વાડ કાઢવામાં આવે છે એટલે કે તે બાળકને ઘરથી ઢોલ-શરણાઈ તાલે, વાજતે-ગાજતે હોલિકા દહન સુધી લઈ જવામાં આવે છે અને ત્યાં બાળકના મામાની સાથે બાળકની હોલિકા ફરતે પ્રદક્ષિણા કરવામાં આવે છે. આ પ્રદક્ષિણામાં 7 અથવા 4 વખત હોલિકાની ફરતે ફરવાનું હોય છે. હોલિકા દહનની રાત્રે ગામના યુવાનો, વડીલો દ્વારા દુહા, છંદ, લોકગીતો ગાવામાં ગાઈને મોજ મજા કરવામાં આવે છે.

ધૂળેટી

હોળીના બીજા દિવસે ધૂળેટીનો પર્વ મનાવવામાં આવે છે, ધૂળેટીને ‘પોંખોત્સવ’ , ‘હોલોત્સવ’, અથવા ‘ફૂલદોત્સવ’ તરીકે ઓળખવામાં આવે છે. તે દિવસે લોકો એકબીજા પર રંગ (અબીલ, ગુલાલ, કંકુ) ઉડાડીને પર્વની ઉજવણી કરવામાં આવે છે.તે દિવસે લોકો નવા કપડા પહેરે છે. એક બીજાને અભિનંદન પાઠવે છે.

પરંપરાગત રીવાજો

હોળીના દિવસે ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક પ્રદેશોમાં કેટલીક કોમ (જાતી) દ્વારા અલગ અલગ લોક પરંપરા ચાલતી આવે છે તેમાં સૌરાષ્ટ્રના કડિયા રાજપૂતો દ્વારા ‘આંબલી કાઢવી’ ની રમત રમે છે. તેમજ ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજ દ્વારા ધોકા અને તલવાર હાથમાં લઈને ‘ઠાગા’ નૃત્ય કરવામાં આવે છે. સૌરાષ્ટ્રના અનેક પ્રદેશોમાં હોળીની ફરતે દાંડિયા રાસ કરવામાં આવે છે.

પૌરાણિક કથા અને માન્યતા

ભાગવત વગેરે પુરાણો અનુસાર પ્રહલાદ રાક્ષસોના રાજા હિરણ્યકશિપુનો પુત્ર હતો, વિષ્ણુ ભગવાનની પૂજા ભક્તિમાં ઓતપ્રોત હતો,પરંતુ હિરણ્યકશિપુ ભગવાન વિષ્ણુનો વિરોધી હતો;તેના વિરોધી હોવાનું કારણ એ હતું કે આગલા જન્મમાં તે વિષ્ણુનો પાર્ષદ હતો પરંતુ ઋષિના શાપથી વિષ્ણુનો પાર્ષદ મટી ગયો. આથી વિષ્ણુની ભક્તિ કરી વિષ્ણુને પ્રાપ્ત કરવામાં વાર લાગે તેથી વેરભાવે વિષ્ણુને ભજી ભગવાન વિષ્ણુને હાથે મૃત્યુ પામી ઝડપથી સ્વર્ગમાં પાર્ષદનું સ્થાન ફરી ગ્રહણ કરવા પૃથ્વી પર જન્મ લીધો. આથી ભગવાનનો પાર્ષદ હોવા છતાં તે ભગવાનનો વિરોધી બન્યો.

હિરણ્યકશિપુએ ખૂબજ તપસ્યા કરીને બ્રહ્મા પાસેથી વરદાન મેળવ્યું હતું કે તેને કોઈ ઘરની અંદર કે બહાર,ઉપર કે નીચે, અસ્ત્ર કે શસ્ત્ર,દિવસે કે રાત્રે, મનુષ્ય કે અસુર,પ્રાણી,કોઈપણ તેને મારી ન શકે આમ , આ વરદાનથી તે અમર બની ગયો હતો, અને તે પોતાનો પુત્ર પ્રહલાદ તેમજ લોકોને હેરાનગતિ કરતો અને પોતાની ભક્તિ કરવા દબાણ કરતો.

એક દિવસ પ્રહલાદની પરીક્ષા કરવા તેણે પ્રહલાદને સળગાવી નાખવાની યોજના બનાવી,તેને ફોઈ હોલિકા સાથે અગ્નિમા બેસાડાયો, હોલિકા પાસે એક અલૌકિક ઓઢણી હતી જે અગ્નિમા સળગે નહીં,તે હોલિકાએ ઓઢી અને અગ્નિમા પ્રહલાદ સાથે બેઠી,પરંતુ તે વિષ્ણુ નો પરમ ભક્ત હતો તેથી તેની વ્હારે ભગવાન આવ્યા,અગ્નિમાં બળતા પ્રહલાદની ઉપર તે અલૌકિક ઓઢણી આવી ગઈ જેથી પ્રહલાદનો જીવ બચી ગયો અને ફોઈ હોલિકાનું દહન થઈ ગયું આમ, સત્ય પર અસત્યનો વિજય થયો.આ ઘટનાને પ્રેરક રૂપ તરીકે હોલિકા દહન ઉત્સવ મનાવાય છે.

એક દિવસ હિરણ્યકશિપુએ પ્રહલાદને કહ્યું ક્યાં છે ભગવાન તો જવાબમાં કહ્યું બધે જ, હિરણ્યકશિપુએ કહ્યું કે આ થાંભલામા પણ, એમ કહેતા ભગવાન થાંભલો ચીરીને પ્રગટ થયા, અને બરાબર સાંજે,ઉંબરા વચ્ચે,નૃસિંહ અવતારમાં હિરણ્યકશિપુને ખોળામાં બેસાડીને પોતાના નખથી તેનું શરીર ચીરી નાખ્યું. આમ, તેનો નાશ થયો અને અસુર રાજા તરીકે પ્રહલાદને રાજગાદી અપાઈ.

આમ,હોળી એ હિન્દુઓની પ્રાચીન પરંપરાગત સંસ્કૃતિ છે, જે ભારત અને અન્ય દેશોમાં પ્રાદેશિક રજાઓ તેમજ નેપાળમાં રાષ્ટ્રીય રજા છે. ઘણા હિંદુઓ અને કેટલાક બિન-હિંદુઓ માટે, તે એક રમતિયાળ સાંસ્કૃતિક તહેવાર છે અને મજાકમાં મિત્રો અથવા અજાણ્યાઓ પર રંગીન પાણી ફેંકીને ઉજવણી કરવામાં આવે છે.આ પ્રથા તે ભારતીય ઉપખંડમાં વ્યાપકપણે જોવા મળે છે .

Leave a Comment